ઓસીનોગ્રાફિક્સ સર્વેમાં ચોંકાવનારો સકારાત્મક ખુલાસો
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે ગૌરવપૂર્ણ ક્ષણ
ટ્રીટેડ વોટરથી દરિયાઈ જીવસૃષ્ટિ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો પુરાવો
સમુદ્રમાં ટ્રીટેડ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ સાઇટ પર ડોલ્ફિન જોવા મળી
વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોમાં આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ સર્જાયો
અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક દ્વારા પર્યાવરણીય માપદંડો અને દરિયાઈ જીવસૃષ્ટિ પર પડતી અસરોની ચકાસણી માટે વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું,
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષાના સમન્વયનું એક શ્રેષ્ઠ અને ગૌરવવંતું ઉદાહરણ સામે આવ્યું છે. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ઔદ્યોગિક એફ્લુઅન્ટને વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ દરિયામાં નિકાલ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરતી સંસ્થા ‘નર્મદા ક્લીન ટેક’ દ્વારા હાલમાં દરરોજ અંદાજીત 55 એમએલડી જેટલું શુદ્ધ કરાયેલું પાણી હાંસોટના કંટીયાજાળ સમુદ્રમાં કિનારેથી 10 કિલોમીટર અંદર ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
પર્યાવરણીય માપદંડો અને દરિયાઈ જીવસૃષ્ટિ પર પડતી અસરોની ચકાસણી માટે નર્મદા ક્લીન ટેક દ્વારા દર ત્રણ વર્ષે સમુદ્રી વિસ્તારમાં વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવે છે. તાજેતરમાં હાથ ધરાયેલા સંયુક્ત સર્વેમાં દેશની નામાંકિત સંસ્થાઓ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસીનોગ્રાફી’ (NIO ગોવા), ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (CSMCRI ભાવનગર) અને નર્મદા ક્લીન ટેકની નિષ્ણાત ટીમ જોડાયા હતા. આ સર્વે દરમિયાન જે સ્થળે ટ્રીટેડ વોટર ડિસ્ચાર્જ કરવામાં આવે છે, તે જ વિસ્તારમાં સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓની હાજરી જોવા મળતા વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોમાં ભારે આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ સર્જાયો હતો.
સર્વેક્ષણના આશ્ચર્યજનક અને પ્રોત્સાહક પરિણામો અંગે માહિતી આપતા નર્મદા ક્લીન ટેકના સીઈઓ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે, ગોવા, ભાવનગર અને એનસીટીની સંયુક્ત ટીમના સર્વેમાં સમુદ્રના ડિસ્ચાર્જ પોઇન્ટ પાસે ડોલ્ફિનની સક્રિય હાજરી નોંધાઈ છે. આ ઘટના પુરવાર કરે છે કે એનસીટી દ્વારા જે પાણી શુદ્ધ કરીને દરિયામાં છોડવામાં આવે છે, ત્યાં પહોંચતા સુધીમાં પાણીમાં પ્રદૂષણની માત્રા તદ્દન શૂન્ય થઈ જાય છે. શુદ્ધિકરણની આ ઉચ્ચ ગુણવત્તાના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી અને જળચરો માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ પામ્યું છે.
આ સિદ્ધિ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી. એસ. પટેલે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટ્રીટેડ પાણી છોડવાના પોઇન્ટ પર પ્રદૂષણ શૂન્ય થઈ જવું અને ત્યાં ડોલ્ફિન જેવા સંવેદનશીલ દરિયાઇ જીવોનું મુક્તપણે વિચરવું એ સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. આ પર્યાવરણીય સફળતા દર્શાવે છે કે ભવિષ્યમાં થનારા ઉદ્યોગોના વિસ્તરણથી પણ દરિયાઈ પર્યાવરણ કે સમુદ્રી જીવોને કોઈ તકલીફ પડશે નહીં. ઉદ્યોગો અને પર્યાવરણ વચ્ચેનું આ સંતુલન ટકાઉ ઔદ્યોગિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
