• અલથાણમાં યુવતીની છેડતીનો મામલો

  • વિધર્મી યુવકે કરી સગીરાની છેડતી

  • ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ

  • લોક ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

  • પોલીસે યુવકની કરી ધરપકડ

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.અને લોક ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું,જયારે લોકોએ યુવકને મેથીપાક પણ ચખાડ્યો હતો.

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતીત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તુરંત જ લોકો ન્યાયની માંગ સાથે એકઠા થવા લાગ્યા હતા.

ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતાપરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. ટોળું વધુ ઉગ્ર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી જોઈ પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.