સુરત : એડમિશનના નામે ડોનેશન ઉઘરાવાતું હોવાનો મેટાસ સ્કૂલના વાલીઓએ કર્યો આક્ષેપ

New Update
સુરત : એડમિશનના નામે ડોનેશન ઉઘરાવાતું હોવાનો મેટાસ સ્કૂલના વાલીઓએ કર્યો આક્ષેપ

સુરત શહેરમાં ડોનેશન અને અલગ-અલગ વિભાગની ફીના નામે શાળાઓ વાલીઓને લૂંટી રહી છે, ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલ ડોનેશનના મુદ્દાને કારણે વિવાદમાં આવી છે. સુરતની મેટાસ સ્કૂલના વાલીઓ પાસે એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતા વાળીઓ રોષે ભરાયા છે. જેના કારણે 50 જેટલા વાલીઓ ડોનેશન ઉઘરાવાની ફરિયાદ કરવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.

સુરતની મેટાસ સ્કૂલમાં ડોનેશન લેવાયાની ફરિયાદને લઈને સ્ટુડન્ટ-પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ITC ફંડ, બિલ્ડીંગ ફંડ, એનરોલમેન્ટ ફંડ અંગે મેટાસ સ્કૂલે વાલીઓ પાસે ડોનેશન લીધું હોવાની વાત પ્રકાશમાં આવી છે. જે માટેના નક્કર પુરાવાની રસીદ અને એફિડેવિટ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જમા કરાવી છે. આ વાતને દોઢ વર્ષ થયું હોવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે 50 જેટલા વાલીઓ પાસે ડોનેશન લેવાયું હોવાનો પણ આરોપ લાગાડવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સ્કૂલે કબુલ્યું છે કે, 8 કરોડ પરત કરાયા છે, તો તેના હિસાબે 80 કરોડ રૂપિયા સ્કૂલને દંડ થાય છે. કલેક્ટરે આ દંડ વસુલાવવા માટે DEOને જણાવ્યું હતું. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીએ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જેથી સ્કૂલને છટકબારી આપવાની અને મીલીભગત હોવાની વાલીઓમાં શંકા સેવાઇ રહી છે. જેના કારણે સોમવારના રોજ 50 જેટલા વાલીઓએ ડોનેશનની પાક્કી રસીદ જમા કરાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Latest Stories