/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-141.jpg)
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પાટીદાર સમાજની વાડીના વપરાશ માટે લેવામાં આવતા વધારે ભાડા સામે પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. ભાડામાં ઘટાડો કરવાની માંગ સાથે સમાજના આગેવાનોએ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતાં.
સામાન્ય રીતે કોઇ પણ સમાજ તેના જ્ઞાતિજનોને કોઇ પણ પ્રસંગોએ સુવિધા મળી રહે તે માટે વાડી કે હોલનું નિર્માણ કરાવતો હોય છે. સુરતમાં વસતા પાટીદારો માટે કતારગામના આંબાતલાવડીમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો તેમના પ્રસંગોએ વાડીનો વપરાશ કરતાં હોય છે પણ હાલ આ વાડી હાલ વિવાદના વંટોળમાં સપડાય છે. વાડીના વહીવટ સામે ખુદ પાટીદાર સમાજના લોકો જ ઉપવાસ આંદોલન કરી રહયાં છે અને તેનું કારણ છે વાડીના વપરાશ માટે લેવામાં આવતાં ભાડાના દર..
ઉપવાસ ઉપર બેઠેલાં પાટીદાર આગેવાનોના જણાવ્યા અનુસાર હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે જેના કારણે લોકોના પગાર અને આવકમાં પણ ઘટાડો થયો છે.બીજી બાજુ લગ્નસરાની સીઝન આવી રહી છે. ત્યારે સામાન્ય લોકો માટે લગ્ન પ્રસંગ માટે વાડી રાખવી મોંધી બની છે. વાડીના ઉપયોગ માટે જે ભાડું વસુલવામાં આવે છે તે ભાડુ તેઓને પરવડતુ નથી. જેથી વાડીના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેવી તેમની માંગ છે.