સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં મનપાના અધિકારીઓ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટના રૂપિયા વસૂલી કરવામાં આવતા હોવાના કારણે લોકોએ વિરોધ નોંધાયો હતો.
સુરત શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સુરત મનપા દ્વારા ધન્વંતરી રથ દ્વારા લોકોના આંગણે જઈ કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. પહેલા રેપિડ ટેસ્ટ લોકો ફ્રીમાં કરાવતા હતા, જ્યારે હવે કમિશનરના પરિપત્ર બાદ મનપાએ 450 રૂપિયા રેપિડ ટેસ્ટ કરવાની ફી લોકો પાસેથી લેવાનું શરૂ કર્યું છે. જેને લઈ આજે શહેરના નાના વરાછા વિસ્તારમાં રેપિડ ટેસ્ટના લોકો પાસેથી રૂપિયા વસુલવામાં આવતા લોકોએ મનપા અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
કોરોનાના સંકટને લઈ લોકડાઉન થયા બાદ લોકો આર્થિક સંકટમાં મુકાયા છે, ત્યારે મનપા દ્વારા રેપિડ ટેસ્ટના કારણે વધુ કેસ બહાર આવવા તેની ફી લેવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના નાના વરાછા, આરોગ્ય કેન્દ્ર ખાતેથી ફોર્મ ભરી ધન્વંતરી રથોમાં રૂપિયા 450/- ટેસ્ટ ફી તરીકે નાણાં વસુલવામાં આવી રહ્યા હતા. જોકે લોકોએ વિરોધ નોંધાવતા વિરોધ પક્ષના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા આ અંગે મેયર, મનપા કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષને લેખિતમાં પત્ર લખી રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કરવાની માંગ કરી છે. જોકે મનપા કમિશનર દ્વારા ફરી ધન્વતરી રથ કે, અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવતા રેપીડ એન્ટીઝ્ન્ટ ટેસ્ટ માટે ચાર્જ લેવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.