કોસંબા નજીક મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આગની ઘટના
યુનિવર્સલ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ
બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડ્યા
પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો કરાયા
સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં રાહત
સુરત જિલ્લાના કોસંબા નજીક મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના વેરહાઉસમાં ગત રાત્રિના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કોસંબા નજીક મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા યુનિવર્સલ વેરહાઉસમાં ગત રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જ્યાં લાકડા તથા પ્લાયવુડના જથ્થાને કારણે ગણતરીની મિનિટોમાં જ આગએ સમગ્ર વેરહાઉસને પોતાની બાનમાં લઈ લીધું હતું.
આગની તીવ્રતા એટલી હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગનું વિકરાળ સ્વરૂપ જોતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સુરત જિલ્લાની સુમિલોન, પાનોલી, પલસાણા, બારડોલી સહિતની 5થી વધુ ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
તો બીજી તરફ, કોસંબા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ભીડને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે વેરહાઉસમાં રાખવામાં આવેલો લાકડા અને પ્લાયવુડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.