ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીની ઘટના
બીજા માળેથી પાણીની ટાંકી મહિલાના માથે પડી
ઘટનામાં મહિલાનો થયો ચમત્કારિક રીતે બચાવ
મહિલાને શરીરે એકપણ ઉઝરડો જોવા ન મળ્યો
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ
સુરત શહેરના ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીમાં બીજા માળેથી પાણીની ટાંકી મહિલાના માથે પડતાં તેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો, જોકે, 4 દિવસ પહેલા બનેલી ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
સુરતમાં છેલ્લા 2 દિવસથી એક ખૂબ જ ચમત્કારિક CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પાણીની ટાંકી બીજા માળેથી ફૂટબોલની જેમ ઉછળી નીચે ચાલીને જતી મહિલાના માથા પર પડે છે. આ ટાંકીમાં મહિલા સમાય જાય છે. જોકે, આ મહિલાને જરા પણ ઇજા પહોંચી નથી, અને તે પાણીની ટાંકીમાંથી બહાર નીકળે છે.
જોકે, વાયરલ વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીનો હોવાનું સામે આવ્યું છે. માનસી રેસિડેન્સી વિભાગ-1માં ગત તા. 10મી ઓક્ટોબરના રોજ સવારના સમયે નવરાત્રિ નિમિત્તે માતાજીની આરતી થઈ હતી. ત્યાંથી પ્રસાદ લઈને મહિલા પોતાના ઘરે આવી હતી. જોકે, આ દરમિયાન મહિલા ઘરમાં પ્રવેશ કરવાના બદલે સામે ઘરે જવા માટે અચાનક જ રોડ પરથી પસાર થાય છે.
તેવામાં મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી. મહિલાના માથા પર ટાંકી પડવા છતાં ઈજાગ્રસ્ત થઈ નહોતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.