ઝારખંડ સ્થિત જૈન તીર્થ સ્થળ સંમેત શિખરને કેન્દ્ર અને ઝારખંડ સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરવા સામે ભરૂચ જિલ્લા જૈન સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકાર દ્વારા ઝારખંડમાં આવેલ જૈનોના તીર્થ સ્થળ સંમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં મોટી સંખ્યામાં જૈન સમાજે રેલી યોજી ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ‘સંમેત શિખર’ બચાવો અભિયાન અંતર્ગત આ રેલી યોજાય હતી.
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શક્તિનાથ થઈ કલેક્ટર કચેરી સુધી યોજાયેલ જૈન સમાજની રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય હતી. જૈન સમાજનો આક્ષેપ છે કે, સંમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાથી ત્યાં વેપાર-ધંધાની સાથે સાથે પ્રવાસીઓ આવશે. જેનાથી દારૂ અને માંસ સહિતની પ્રવૃતિઓ ધમધમશે, ત્યારે જૈન સમાજની લાગણીઓ દુભાય તેવા કૃત્યને અટકાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.