ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું.
કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. તો બીજી તરફ, ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં, ટેકેદારોને ધાકધમકી કે, દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે.
સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જોકે, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા, અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા છે. સમગ્ર મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠક યોજી ભાજપના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલ સહિત સુરત ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.