ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં બની હત્યાની ઘટના
સસરાએ જમાઈને ચપ્પુના ધા મારી કરી નાંખી હત્યા
પુત્રી સાથે અવારનવાર ઝગડો થતાં પિતા ઉશ્કેરાયા
ઘર કંકાસથી કંટાળેલા સસરાએ ભર્યું અંતિમ પગલું
પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પુત્રી સાથે અવારનવાર ઝઘડો થતાં ગુસ્સે ભરાયેલા સસરાએ પોતાના જમાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે હત્યારા સસરાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 21 નવેમ્બર-2025’ના રોજ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. 23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. સલમાન તેની પત્ની નજીઉલ્લાની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરતો હતો.
આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાંકીય હતું. સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાને પૈસા આપવાનું કહેતી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું, જેનાથી સસરા નજીઉલ્લા પણ અકળાયેલા રહેતા હતા. આ દરમ્યાન ઉશ્કેરાયેલા સસરાએ ચપ્પુના ધા મારી જમાઈની હત્યા કરી નાંખી હતી.
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લા મુસ્તાકીમ શાહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી નજીઉલ્લાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.