કડોદરા-તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ની ઘટના
સેન્ટર મશીન પર કામ કરતી વેળા હ્રદયદ્રાવક ઘટના
એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં અકસ્માત
દુર્ઘટનામાં શ્રમિકનો અડધો હાથ શરીરથી છૂટો પડ્યો
ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
સુરત શહેરના કડોદરા વિસ્તારના તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર કામ કરતી વેળા એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં શરીરથી છૂટો પડી ગયો હતો.
સુરત શહેરના કડોદરાના ઔદ્યોગિક એકમમાંથી એક અકસ્માતની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર રાબેતા મુજબ એક શ્રમિક કામ કરી રહ્યો હતો, ત્યારે કામ કરતી વેળા આ શ્રમિકનો હાથ અચાનક મશીનમાં ફસાય ગયો હતો. મશીનમાં હાથ ફસાતા જ ઝાટકા સાથે શ્રમિકનો અડધો હાથ શરીરથી છૂટો પડી ગયો હતો. બનાવના પગલે મિલમાં હાજર અન્ય શ્રમિકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્ત શ્રમિકને પ્રાથમિક સારવાર અર્થે કડોદરાની લીલાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત શ્રમિકની હાલત વધુ ગંભીર જણાતા તબીબે તેને સુરતની એપલ હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો.
આ તરફ, મિલના અન્ય કામદારો દ્વારા મિલ મેનેજમેન્ટ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં 25 વર્ષીય રણજીત અજય મહંતો નામના શ્રમિકનો હાથ મિલમાં કામ કરતી વેળા શરીરથી અલગ થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાના મુદ્દા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.