ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, ત્યારે અઠવાલાઈન્સના સુરત શહેર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટરમાં સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકના પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સુરતની 16 વિધાનસભા પૈકી ઓલપાડ, માંગરોળ, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્વિમ, ચોર્યાસી અને મહુવા વિધાનસભાના પોલીસ અધિકારી કર્મચારીઓએ અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથો સાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.