-
બોગસ મહિલા તબીબ ઝડપાવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો
-
વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ તબીબોનો પર્દાફાશ થયો
-
મગદલ્લા વિસ્તારમાંથી મહિલા સહિત 2 ઊંટવૈદની ધરપકડ કરાય
-
બન્ને બોગસ તબીબ ડિગ્રી રજૂ ન કરતા આખરે પોલીસે ધરપકડ કરી
-
પોલીસ કાર્યવાહીના પગલે અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો
સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ 2 બોગસ તબીબોની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 40 વર્ષીય એક મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. જોકે, બોગસ મહિલા તબીબ પકડાઇ હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
તાજેતરમાં જ સુરત પોલીસે શહેરભરમાં નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા 10થી વધુ નકલી તબીબોની ધરપકડ કરી હતી. આ બાદ અસલી તબીબો પણ સતર્ક બન્યા હતા. ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે, તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે.
જેથી પોલીસે બન્ને સ્થળોએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે, જૂના મગદલ્લા વિસ્તારમાં ઘરમાં ક્લિનિક ચલાવતા 40 વર્ષીય લલીતા ક્રિપાશંકર સીંઘ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષિય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં. છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
પોલીસે બન્નેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જોકે, નિયત સમય દરમિયાન કોઈપણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે બન્ને બોગસ તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.