સુરતના ખજોદ વિસ્તારમાં 2 વર્ષીય બાળકીનું શ્વાન કરડવાથી મોત નીપજ્યું છે.ગત રવિવારે ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ ૨ વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે અને મજુરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે એટલે કે ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓની ૨ વર્ષીય બાળકી રમી રહી હતી તે વેળાએ ત્રણ જેટલા શ્વાનોએ બાળકીને બચકા ભર્યા હતા.બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેણીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું હતું કે બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર ૩૦ થી ૪૦ જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા. બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી એટલું જ નહી બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ ૩ દિવસની સારવાર બાદ બાળકીનું ગતરાત્રીના સમયે દુઃખદ નિધન થયું છે. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો