સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી. આ દરમિયાન કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. જ્યાં નોનવેજ સિઝલરને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા અફરાતફરી સર્જાઇ હતી.
માહિતી અનુસાર નોનવેજ સિઝલર એક એવા પ્રકારનું ભોજન છે,જેમાંથી મોટાપાયે ધૂમાડો નીકળે છે. જોકે મોટી સંખ્યામાં ભીડ અને સિઝલરની વધુ પડતી પ્લેટને કારણે એટલો બધો ધૂમાડો થઈ ગયો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રી ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. બેભાન અવસ્થામાં જ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બુરહાની હોસ્પિટલના ડોક્ટરોએ આ મામલે જાણકારી આપતાં કહ્યું કે ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. સિઝલરનો ધૂમાડો લોકોના શરીરમાં શ્વાસ દ્વારા પ્રવેશી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.