સુરતના હજીરા વિસ્તારમાં આવેલી દિલીપ પટેલની કોલોનીમાં મૂળ બિહારનો 36 વર્ષીય સુજીત કુમાર રામદેવન રાય 7 વર્ષથી સુરતમાં રહેતો હતો. સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગતરોજ રાત્રે પરિવાર સાથે સૂતો હતો. આ દરમિયાન પાછળના રૂમમાં જઈ પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સવારે પત્નીને જાણ થતાં પતિ લટકતી હાલતમાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, સિવિલમાં ફરજ પરની તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે સુજીત અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે સુજીતે અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા છે. બીજું તો કોઈ તો કારણ હતું નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજીતના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.