Connect Gujarat
સુરત 

સુરત : સુવાલી દરિયામાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 3 યુવકોના મોત…

બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિકોની મદદ લઈ ફાયર બ્રિગેડે પાણીમાં લાપતા થયેલા 4 યુવકોની શોધખોળ હાથ ધરી હતી

X

સુરત શહેરના સુવાલી બીચ ખાતે નાહવા પડેલા 5 યુવકો દરિયાના પાણીમાં ગરક થઈ ગયા હતા. જે પૈકી 3 યુવકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 1 યુવક લાપતા થયો છે. જોકે, એક યુવકને લોકોએ બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

મળતી માહિતી અનુસાર, સુરતના આઝાદનગર રસુલાબાદ ઝુપડપટ્ટી ખાતે રહેતો વિકાસ દિલીપ સાલ્વેની સગાઈ હોવાથી શિરપુર જિલ્લાના અહીલ્યાપુરથી તેનો કાકાનો દીકરો સાગર પ્રકાશ સાલ્વે પોતાની પત્ની સહિત અન્ય લોકો સાથે સુરત આવ્યો હતો. રવિવાર હોવાથી પરિવારના તમામ સભ્યો સુવાલી દરિયા કિનારે ફરવા ગયા હતા. બીજી તરફ આઝાદનગરમાં વિકાસના ઘર નજીક જ રહેતા શ્યામ સાઉદકર, અકબર યુસુફ શેખ પણ તેમની સાથે ફરવા ગયા હતા. આ તમામ દરિયામાં નાહવા પડ્યા હતા..

દરમ્યાન અચાનક જ સાગર, વિકી, શ્યામ, અકબર અને સચિન નામના યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બુમાબુમ થતા સ્થાનિકોએ ચારેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિકાસને બચાવી લીધો હતો, જ્યારે અન્ય 4 યુવકો દરિયાના ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિકોની મદદ લઈ ફાયર બ્રિગેડે પાણીમાં લાપતા થયેલા 4 યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાગર પ્રકાશ સાલ્વે અને અકબર યુસુફ શેખ સહિત સચિન જાતવનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ ફાયર બ્રિગેડે અન્ય લાપતા થયેલા 1 યુવકની શોધખોળ યથાવત રાખી છે...

Next Story