પુણાગામ વિસ્તારની સીતારામ સોસાયટીની ઘટના
રૂપિયાની લેતીદેતી બાબતે 2 યુવકો વચ્ચેની બબાલ
રૂપિયા પરત નહીં આપતા યુવકે અન્યને ચપ્પુ ફેરવ્યું
ગંભીર ઇજાના પગલે એક યુવકનું ઘટના સ્થળે મોત
પોલીસે હત્યારાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહ્યો હોય તે પ્રકારે હત્યાના બનાવો વધી રહ્યા છે. તેવામાં પુણાગામ વિસ્તારની સીતારામ સોસાયટીમાં એક જ ગામના 2 યુવકનો રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિપુલ નકુમ નામના યુવક પાસેથી વિપુલ વાળા નામના યુવકે રૂપિયા લીધા હતા. જોકે, ઘણો સમય થયો હોવા છતાં પણ વિપુલ વાળાથી રૂપિયા પરત અપાયા ન હતા. જેને લઈને બન્ને યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી.
માથાકૂટ એટલી હદે વધી ગઈ કે, બન્ને મારામારી પર આવી ગયા હતા. આ દરમ્યાન વિપુલ વાળાએ પેટના ભાગે ચપ્પુ મારી દેતા વિપુલ નકુમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાની ઘટના બાદ વિપુલ વાળા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસને સ્થળ પરથી હત્યારા વિપુલ વાળાનો મોબાઇલ ફોન મળી આવ્યો છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા વિપુલ વાળાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.