લૂંટેરી દુલ્હનોએ 2 લગ્નઈચ્છુકોને લૂંટી લેતા ચકચાર, વરાછાના 2 લગ્નઈચ્છુક યુવાનોને લૂંટી જવાનો મામલો, દાગીના સહિત લાખો રૂપિયા પડાવી લીધાનું સામે આવ્યું, ભોગ બનનારાઓએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી, લૂંટેરી દુલ્હન અને સાગરીતો વિરુદ્ધ પોલીસની તપાસ શરૂ
સુરતમાં 2 લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના 2 લગ્નઈચ્છુક યુવાનોને લૂંટી જવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે મળીને લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમત વોરા તેમના 22 વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમને મિત્ર રવજી રૂપારેલીયા માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા.
રવજીભાઇ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા. સમાજમાં કન્યા નહિ મળતી હોઈ, આ બન્ને અન્ય જ્ઞાતિ કે, સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેવામાં કાપોદ્રા વિસ્તારના બજરંગનગરમાં રહેતા વિપુલ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતાં હોવાનું માલૂમ પડ્યું હતું. ગત તા. 7મી ઓગસ્ટે રવજીભાઇએ વિપુલ મહારાજને ચોકસી બજારમાં યુવતીઓની ડિટેઇલ્સ લઈને બોલાવ્યા હતા.
અહીં હિંમતભાઈ તેમને ઓળખી ગયા હતા. વિપુલભાઇ જ્યાં રહે છે તે બજરંગનગરમાં જ વર્ષો સુધી રહેતા હોઇ અને તેઓ એકબીજાથી સારી રીતે પરિચિત હતા. વિપુલભાઇએ આ બન્નેના પુત્ર માટે રાજપીપળાની 2 કન્યાઓની વિગત સાથે તેમના ફોટો બતાવ્યા હતા. અતુલ રૂપાવટિયાને કુંતા પસંદ આવી હતી, જ્યારે પદમા નામની યુવતીને મહેશ પસંદ આવતાં લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું.
જોકે, વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી. સંજય ગાબાણી આઠમી ઓગસ્ટે બંને પ્રૌઢ તથા અતુલને આઠમીએ રાજપીપળાના બામલા ગામે લઇ ગયા હતા.
અહીં કુંતા નામની યુવતી તેના માતા અને ભાઇ સાથે મુલાકાત કરાવી હતી. છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જેથી લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કરી 1.50 લાખ રૂપિયામાં નક્કી થયું હતું.
આ સાથે જ વિપુલ મહારાજને પણ તેમાંથી 20 હજારનું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું, અને તા. 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઇ કરી દેવામાં આવી હતી, જ્યારે રાજપીપળાના ભીમપોરની પદમા નામની યુવતીને તા. 13મી ઓગસ્ટે સુરત બોલાવી સગાઇ નક્કી કરાય હતી. તેમને પણ લગ્ન માટે રૂ. 1.50 લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું. રોમિલની સગાઇ કરી તેમની પાસેથી રોકડા 80 હજાર ઉપરાંત દાગીના-કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા
જ્યારે અતુલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા હતા. લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1.20 લાખ અને દાગીના-કપડાં સહિત 1.47 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. યુવતી 2 દિવસ યુવકના ઘરે રહી હતી. બાદમાં આણા માટે તેનો પરિવાર લઇ ગયા બાદ યુવતી પરત ફરી જ ન હતી.
યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતાં આ યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં ભોગ બનનારાઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.