સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાન બહાર ઇલેક્ટ્રિક બાઈકને ચાર્જિંગમાં મૂકી હતી. આ દરમ્યાન ઇલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી હતી. આ બનાવમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શાંતિવન રો-હાઉસ વિભાગ-2માં રહેતા સંજય વેકરીયાએ વહેલી સવારે પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મુકી હતી, ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને અહીના વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી હતી. બાઈકમાં આગ લાગ્યા બાદ આગ પાર્કિગમાં પ્રસરી હતી, જ્યાં વીજ વાયરની મીટર પેટીમાં આગ પ્રસરતા ધુમાડાના કારણે આખું મકાન પણ કાળું થઇ ગયું હતું. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી.