-
નાનપુરા વિસ્તારના પ્રિયા એપાર્ટમેન્ટમાં આગની ઘટના
-
ફ્લેટમાં છઠ્ઠા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ
-
ફ્લેટમાં હાજર NRI મહિલાનો જીવ બચાવવાનો વલોપાત
-
મહિલા બારી બહાર ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ
-
ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાને બચાવી
સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં નાવડીઓ વાળા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છે, જ્યાં છઠ્ઠા માળે મૂર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમતતુલા મુકાદમ મૂર્તુજાના ઘરે આવી હતી. આજે સવે અહમત ફ્લેટમાં એકલી હતી. તે દરમિયાન 11.27 કલાકે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી.
વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. વોશિંગ મશીન પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મુકેલા હતા, જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહમત બારીમાંથી બહાર નીકળીને ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી.
જોકે, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક TTL મશીન સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર થોડો કાબુ મેળવી યુવતીનું રેસક્યું કરી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંદાજે કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.