/connect-gujarat/media/media_files/2025/11/25/surat-accident-2025-11-25-17-06-34.jpg)
સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. મૂળ ભાવનગરના માન વિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, દીકરો, પુત્રવધુ અને પૌત્રી-પૌત્ર છે. ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. 24 નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના 58 વર્ષીય પત્ની ઉષાબેન બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા.
ભૂપતભાઈ અને તેમના પત્ની અમરોલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા. દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા. આ સમયે બાજુમાંથી એક વિશાળ ટેન્કર પસાર થતાં ભૂપતભાઈએ બાઈકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધા ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા. ત્યારબાદ બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જોકે ઉષાબેનનું મોત થઈ ચૂક્યું હતું, જ્યારે ભૂપતભાઈના થોડા શ્વાસ ચાલી રહ્યા હતા,જેથી રાહદારીઓ દ્વારા 108ને બોલાવવામાં આવી હતી. જોકે, 108ના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે દીકરાને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ પોલીસને પણ જાણ થતા અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી.પોલીસે આ ઘટનામાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.