-
AMNSમાં ચાર શ્રમિકો મોતને ભેટ્યા
-
રો-મટીરીયલની પાઈપલાઈન છૂટી પડી
-
ગરમ મટીરીયલ કામદારો પર પડતા મોતને ભેટ્યા
-
મૃતકોની ઓળખ કરવી પણ બની મુશ્કેલ
સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે મૃતક શ્રમિકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે,અને DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લી.(AMNS) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી.આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જીજ્ઞેસ પારેખ અને સંદિપ પટેલ નામના ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવાર તારીખ 31મી ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આગમાં ચારેય કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા.
આગની દુર્ઘટનામાં જે ચારેય કામદારોના મોત થયા છે તેઓના મૃતદેહ એટલા બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે ચાર કામદારોના મોત નિપજ્યા છે.તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ, કયા કામદારનો મૃતદેહ કયો છે તે ઓળખવું મુશ્કેલ બનતા DNA ટેસ્ટ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આગની દુર્ઘટના અંગે ACP દીપ વકીલે જણાવ્યું હતું કે, AMNS કંપનીના ફોરેક્સ પ્લાન્ટ 2 માં જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરીયલ લઈ જતી પાઈપલાઈન છુટી પડી ગઈ હતી. જે લિફ્ટ બાજુ ફેંકાઈ હતી. જેના કારણે ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. કામદારો લિફ્ટ બાજુએથી પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરીયલ પડતા મોતને ભેટ્યા છે.ઘટનાને પગલે નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,જયારે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.