/connect-gujarat/media/post_banners/2435f79d0d55431fa5ef4ad084b68937a9366e548ee81735ae8d785824640282.webp)
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક પસાર થતા નેશનલ હાઇવે પર વહેલી સવારે એક ઓઇલ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતા ટેન્કરમાં રહેલ હજારો લીટર ઓઇલ રોડ પર વહિ ગયું હતું અને હાઇવે પર ઓઇલના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માતના કારણે હાઈવેની બે લાઈન બંધ થઈ જતાં ભારે ટ્રાફિક જામ થયો હતો અને કિલોમીટરો સુધી વાહનોની કતાર લાગી હતી. નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જામનગરથી ઓઇલ ભરી દમણ જઈ રહ્યા હતા. તે દરમિયાન પીપોદરા નજીક આગળ અચાનક એક વાહન આવી જતા તેઓને બચાવવા જતાં ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. ટેન્કરમાં રહેલ હજારો લીટર ઓઇલ હાઇવે પર તેમજ સર્વિસ રોડ પર વહી જતા હાઇવે પર પસાર થઈ રહેલા નાના વાહનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અસંખ્ય બાઈકો સ્લીપ મારી જવાની ઘટનાઓ બની હતી અને બાઈક ચાલકોને ઈજાઓ પણ પહોંચી હતી. હાલ કોસંબા પોલીસ તેમજ NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હાઇવે પરથી ટેન્કર ખસેડવાની કામગીરી હાથ ધરી છે.