Connect Gujarat
સુરત 

સુરત : કોરોના કાળથી બંધ થયેલ અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ થશે, હવે 10 નહીં પણ રૂ. 5માં મળશે જમવાનું : રાજ્યમંત્રી

અન્નપૂર્ણા યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે.

X

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સુરતના નાનપુરા વિસ્તારમાં ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળથી બંધ હાલતમાં રહેલી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા રાજ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું.

ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા સુરત ખાતે યુવાનોને કૌશલ્ય બદ્ધ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના સહિતના અનેક આયામો-પ્રકલ્પો આ વિભાગે યુવાનોને વધુ રોજગારી મળે, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના પરિસરમાં ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ જિલ્લા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્ય અને ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ કોરોના કાળથી બંધ હાલતમાં રહેલી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા શ્રમિકની માંગ ઉઠી છે. કનેક્ટ ગુજરાત દ્વારા આ મામલે થોડા દિવસો અગાઉ અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. અસંગઠિત ક્ષેત્રે અને કડિયા કામ કરતા મજૂરો માટે આશીર્વાદરૂપ સાબિત થતી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા શ્રમિકો માંગ કરી રહ્યા છે, ત્યારે આ યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે. અગાઉ કોરોનાના કારણે જે અન્નપૂર્ણા યોજના સ્થગિત કરવામાં આવી હતી..

અને તે વખતે કડિયાનાકા ઉપર રૂપિયા 10 રૂપિયાના મૂલ્યથી શ્રમિકોને ભોજન આપવામાં આવતું હતું, ત્યારે હવે ફરી શરૂ થનાર આ યોજનામાં ફક્ત 5 રૂપિયામાં ભોજન આપી દરેક જગ્યાએ આ સવલત ઉભી કરવાની દિશામાં કાર્યવાહી થઈ રહી છે. જોકે, આવી મોંઘવારીના સમયમાં શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલની શ્રમિકો માટે શ્રમ અન્નપૂર્ણા યોજના શરૂ થશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Next Story