ગોડાદરાની અરિહંત એકેડેમીના વિદ્યાર્થીઓના સીનસપાટા
સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાય
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી
વિડિયો વાયરલ થતાં 2 કાર જપ્ત, 2 લોકોની અટકાયત
લોકો અને વાહનોની અવરજવર વચ્ચે કર્યા હતા સીનસપાટા
સુરત શહેરના ગોડાદરા વિસ્તારની અરિહંત એકેડેમીના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી દરમ્યાન લક્ઝરી કાર સાથે સીનસપાટા કર્યા હતા, ત્યારે પોલીસે વાયરલ વિડિયોના આધારે 2 મોંઘીદાટ કાર સાથે 2 ચાલકની અટકાયત કરી અન્ય લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતરમાં જ સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારનો કાફલો કાઢી “ફેરવેલ પાર્ટી” ઉજવવાનો વિવાદ હજી શાંત પણ થયો નહોતો કે, હવે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓનો સીનસપાટા કરતો વિડિયો વાયરલ થયો છે. મોંઘીદાટ કારથી ટ્રાફિકની સમસ્યા ઉભી કરી ધો. 12ના વિદ્યાર્થીઓ શોખીન અંદાજમાં લક્ઝરી કાર લઈને સ્કૂલે પહોંચ્યા હતા.
4 મોંઘીદાટ કાર સાથે શોબાજી કરતા વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર ધમાલ મચાવી, જેનાથી રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રેલી કાઢવા બદલ પોલીસે તાત્કાલિક ધોરણે અરિહંત એકેડેમીના સંચાલક પાસેથી વિગતો મેળવી 2 મોંઘીદાટ કાર અને 2 ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.