/connect-gujarat/media/media_files/2025/12/06/surat-varacha-2025-12-06-19-44-08.jpg)
સુરત શહેરના વરાછા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરત શહેરના વરાછાથી સરથાણા વિસ્તાર સુધી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાલિકા અને પોલીસની કામગીરીના પગલે સામાન્ય નાના ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો. આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી. આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/06/surat-varacha-2025-12-06-19-43-16.png)
ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં નાના ધંધાર્થીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે, તેઓને પકડો. તેઓ પાસેથી પૈસા મળે છે એટલે, અમારી પાસે કઈ ન મળે. અમે કઈ દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. વધુમાં પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આરોપ લગાડવમાં આવ્યો હતો, ત્યારે ન્યાયની માંગ સાથે નાના ધંધાર્થીઓને ધંધો કરવા દેવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.