સુરતમાં ડાયમંડ મશીનરી કોપી રાઈટ મામલે સુરત ડાયમંડ એસોસિએશન કાર્યાલય ખાતે સીલ થયેલ મશીનરીના માલિકોની બેઠક યોજાય હતી. જેમાં સીલ થયેલી મશીનરીને કેવી રીતે છોડાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સુરત શહેરમાં ડાયમંડ મશીનરી કોપી રાઈટ મામલે વિદેશી કંપની દ્વારા કાર્યવાહી કરાતા ખળભળાટ મચી છે. હીરા ઉધોગમાં મેકિંગ મશીન તરીકે ઉપયોગમાં લેવાતી મશીનરીઓને એક વિદેશી કંપનીએ કોર્ટના ઓર્ડર સાથે સીલ કર્યું છે. જેમાં 200 મશીનો સામે કાર્યવાહી કરાતા હજ્જારો રત્ન કલાકારો બેકાર બનવાની ભીતિ સેવાઇ રહી છે. મશીનરી મેન્યુફેક્ચરર દ્વારા ઉત્પાદિત કરાયેલી મશીનની કોપી કરવામાં આવી હોવાના આરોપ સાથે ભૂતકાળમાં પણ સ્થાનિક મશીનરી ઉત્પાદનોના આવા મશીનો સીલ કરવામાં આવ્યા હતા. વિદેશી મેપિંગ મશીનોનો એકથી દોઢ કરોડ રૂપિયા સુધીનો ભાવ હોય છે, જ્યારે આવા મશીનો સુરતમાં જ મશીનરી ઉત્પાદકો 10થી 12 લાખમાં બનાવે છે.
જોકે, આ મશીનરીઓની કોપી કરવામાં આવી છે, અને તેમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર પણ પાયરેટેડ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. કોપીરાઇટ એક્ટના ભંગ બદલ વિદેશી કંપની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી સામે સુરતના હીરા ઉધોગમાં મશીનરી ઉત્પાદનોમાં હાલ ખળભળાટ મચી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ કંપનીના મારફતે કોર્ટના આધારે સર્વે મશીન સીલ કરવાની પ્રોસેસ થતી હોય છે, ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન સીલ થયેલી મશીનરીને કેવી રીતે છોડાવી શકાય તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.