સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હોસ્પિટલમાં નર્સ સાથે મારઝૂડ કરનાર 3 આસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. આરોપી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો, જ્યારે નશાની હાલતમાં નર્સ સાથે મારઝૂડ કરી ફરાર થઈ ગયો હતો.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો કહેર જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદીના સામાજિક તત્વો સામાન્ય માણસોને નિશાન બનાવી મારઝૂડ કરી આતંક ફેલાવી રહ્યા છે, જ્યારે ડિંડોલી વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી હોસ્પિટલમાં રોહિત સાળવે નામનો શખ્સ તેના 2 સાગરીતો સાથે સારવાર માટે ગયો હતો, જ્યાં ફરજ પર હાજર સીમા ઝા નામના નર્સે તેની સારવાર શરૂ કરતા આ શખ્સે સારવાર ન કરવાનું કહી નર્સને ગાળો આપી મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, મારઝૂડ કર્યા બાદ આ શખ્સોએ નર્સનો કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, ત્યારે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે નર્સે અસામાજિક તત્વો વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહાદેવનગરમાં રહેતા રોહિત સાળવે, અક્ષય સોનવને અને રોહિત પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.