/connect-gujarat/media/post_banners/4bc43f735a942d499823780795eab62cec673e3873ebc91b85ada801a46d004a.jpg)
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે જ તેઓએ આમ આદમી પાર્ટીમાં રહીને આપના ઉમેદવારને હરાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સુરત ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવતીકાલે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે. રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 182 વિધાનસભાની સીટ છે, અને 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે, ત્યારે 10 હજાર જેટલા પાર્ટીથી નારાજ લોકોનું મહા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે, એવા લોકોને સાઈડ પર કરવામાં આવ્યા છે, અને લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આપ પાર્ટીને એક પણ બેઠક જીતવા દઇશું નહીં, તેવી પણ આપના કાર્યકર રાજુ દિયોરાએ ચીમકી ઉચ્ચારી છે.