લિંબાયતમાં મોબાઈલના લેતીદેતીના રૂપિયામાં થઈ હત્યા
મોબાઇલના બદલામાં વધુ પૈસાની માંગણી કરાતા હુમલો
3 શખ્સોએ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો
હત્યા મામલે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
ત્રણેય હત્યારાની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિસનલ ચોકી નજીક ગત સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ નૂરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલા એક મોબાઇલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં અરબાઝે આરોપી અનવર પાસેથી 1 હજાર રૂપિયામાં એક મોબાઇલ ખરીદ્યો હતો. જોકે, બાદમાં અરબાઝ આ મોબાઇલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. જેને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે, અનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા નિપજાવી હતી. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.