સુરત: ખજોદ વિસ્તારમાં રમી રહેલ બાળકી પર શ્વાનનો હુમલો, 40 બચકા ભરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાય

શહેરમાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનો એકસાથે ત્રાટકતાં બાળકીની હાલત દયનીય બની છે.

New Update

સુરત શહેરમાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનો એકસાથે ત્રાટકતાં બાળકીની હાલત દયનીય બની છે. શ્વાનોએ 2 વર્ષની બાળકીને બચકાં ભરી લેતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

સુરતના ખજોદ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાન ત્રાટક્યાં હતાં. બાળકી ઉપર એકાએક જ શ્વાનોએ કરડી લેવાની ઘટના સામે આવી છે. બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થઈ છે. જેને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. એક્સરે કર્યા બાદ તેને સર્જરીમાં પણ મોકલી દેવામાં આવી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં એકાએક જ બાળકી ઘર પાસે એકલી જ હતી. દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર તેજસ ચૌહાણએ જણાવ્યું કે ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. શ્વાનોએ બાળકીને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં છે. જેમાં ખાસ કરીને માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા વધુ થઈ છે. બાળકીને ઈમર્જન્સી વિભાગમાં શ્વાન કરડવાનાં ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.

Latest Stories