લીંબાયતમાં માનવ તસ્કરીનો પર્દાફાશ
કેટરિંગના કામને બહાને સગીરાને વેચી દીધી
રૂપિયા લઈને અલગ અલગ જગ્યાએ કરાવ્યા લગ્ન
સગીરાને નશાકારક પદાર્થ આપીને રાખતા હતા નશામાં
પોલીસે દંપતી સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસે ઘટનામાં દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે, તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી. આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા બની હતી. સગીરાના પડોશમાં રહેતી નૂરી વસીમ શેખ, જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા આ ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે. માતાને આ વાતની જાણ નહોતી કે, આ એક કાવતરું છે. આરોપીઓએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ બે-ત્રણ દિવસમાં પાછા આવી જશે.
આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી. અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી. આ ટોળકી તેને દિવસમાં બેથી ત્રણ વખત સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવતી હતી, જેથી તે ભાનમાં રહી શકે નહીં. આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સગીરાને બે અલગ-અલગ વ્યક્તિઓને વેચી હતી. સૌપ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા. આ માટે તેઓએ શોએબ પાસેથી 50 હજાર લીધા હતા. આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રહેતા હતા.10 દિવસ બાદ આરોપીઓ ફરીથી સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા હતા.
ત્યાં તેઓએ સગીરાને મહારાષ્ટ્રના એક યુવકને વેચી દીધી અને તેના હિન્દુ રીતરિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ યુવક પાસેથી ટોળકીએ 2 લાખ લીધા હતા. સોલાપુરમાં સગીરાને 15 દિવસ રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ બંને ઘટનાઓમાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનામાં સગીરા નશામાંથી બહાર આવતા તેને તેની માતાનો સંપર્ક કરીને સઘળી હકીકત જણાવી હતી.અને તેની માતાએ પાડોશીઓને પોતાની દીકરી પરત લાવવા જણાવ્યું હતું,અને સોલાપુરથી સગીરાને પરત લાવવામાં આવી હતી.સમગ્ર ચોંકાવનારી ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવતા પોલીસે નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ, અને શોએબની અટકાયત કરી છે. જ્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી છે.