-
ઓલપાડમાં અસલી ઘીના નામે નકલીનો વેપાર
-
બે સગા ભાઈઓનું કારસ્તાન
-
પોતાની ફેક્ટરીમાં બનાવતા હતા નકલી ઘી
-
સ્ટેટ મોનીટરીંગ સેલ અને ફૂડ વિભાગે કૌભાંડ ઝડપી પડ્યું
-
બે ભાઇઓની ધરપકડ સાથે રૂ.1.17 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરતના ઓલપાડ તાલુકાની માસમા જીઆઇડીસીમાં આવેલી બે સગા ભાઈને ફેક્ટરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 69 લાખની કિંમતનું 25 ટન ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો.
સુરતના જહાંગીરપુરા વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતા ભુપેશ ઈશ્વર ભરતીયા અને રાકેશ ઈશ્વર ભરતીયા ઓલપાડ તાલુકાના માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા. વીર મિલ્ક પ્રોડક્ટસમાંથી આશરે 5000 કિલોગ્રામ ગાયનું ઘી, 2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનું ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો મળી કુલ 7.4 ટનનો જથ્થો કબજે લીધો હતો.
જ્યારે ત્યાંથી 200 મીટર પર આવેલી શ્રી આર.કે. એન્ટરપ્રાઇઝમાંથી 17.5 ટન વેજ ફેટ, ફેટી એસિડ, મોનો એન્ડ ડાય ગ્લિસરાઇડ અને ઘીનું એસેન્સ મળી કુલ 25 ટનનો રૂપિયા 69 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બંને ભાઇઓની અટક કરી રૂપિયા 16 લાખ 59 હજાર 800ની મશીનરી રૂપિયા 7 લાખ 55 હજાર 841ની કિંમતનું પેકિંગ મટીરીયલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 કરોડ 17 લાખ 97 હજાર 641નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.શુદ્ધ ઘીના નામે શુભ, લાભ, ઓરિયો, સાવરો બ્રાન્ડના નામે ઘી વેચાતું હતું.
ભરતીયા બંધુ દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવવી બજારમાં વેચવાનો ગોરખધંધો 2016થી ચાલતો હતો. તેમનો આ ધંધો પકડાય નહીં તે માટે ચોક્કસ દિવસોમાં જ ફેક્ટરી ખોલીને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતુ હતું.જેથી કોઈના ધ્યાન પર આવતું ન હતું. તેઓ મલેશિયાથી વેજફેટ મંગાવતા હતા અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘીના એસેન્સ નો ઉપયોગ કરી તેનું મિશ્રણ કરતા હતા.
પકડાયેલા બંને ભાઈઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આ ઘી બનાવવાનું ક્યાંથી અને કોની પાસેથી શીખ્યા છે તે પણ એક મહત્વની બાબત છે કારણ કે, આ બંને જેમની પાસેથી આ ઘી બનાવવનું શીખ્યા છે તે ખૂબ જ સટીક છે. આ બંને ડુપ્લિકેટ ઘી એટલી સટીક રીતે બનાવતા હતા કે સામાન્ય તપાસમાં તે ઓરીજનલ ઘી જેવું જ જણાઈ આવે છે.
આ ઘી સામાન્ય રીતે રોજિંદા વપરાશમાં આવે તો ગળાની બીમારીઓ થઈ શકે છે એવું પણ જાણકારોનું કહેવું છે. ડુપ્લિકેટ ઘી 370 રૂપિયે કિલો ઘી વેચતા હતા. જે ઓરીજનલ ઘી કરતા 300થી 350 રૂપિયા સસ્તું હોવાનું પણ જાણવા મળ્યું છે.