સુરત શહેરના વરાછા વિસ્તારમાં નજીવી બાબતની બોલાચાલીમાં ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સુરત શહેર તથા જિલ્લામાં લૂંટ, ધાડ સહિત હત્યાની ઘટનાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતની બોલાચાલીમાં જેનીશ ચૌહાણ નામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. આ યુવક પોતની મોપેડ લઈને જઈ રહ્યો હતો, જ્યાં તે ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.
જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બનાવની જાણ થતાં જ ACP, DCP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના હજાર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, ત્યારે હાલ તો આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.