આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે 18થી 60 વર્ષના લોકોને વિનામુલ્યે કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત સુરત શહેરમાં આવતીકાલથી 150 જેટલા સેન્ટર પર લોકોને નિઃશુલ્ક પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે. 18થી 60 વર્ષના 9.24 લાખ જેટલા લોકો ફ્રી પ્રીકોશન ડોઝ લેવાના બાકી છે, ત્યારે સુરત મનપા દ્વારા આવતીકાલથી શહેરના 150 સેન્ટરો પર લોકોને ફ્રી પ્રીકોશન ડોઝ આપવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વયના લોકોને વિનામુલ્યે પ્રીકોશન ડોઝ અપાતો હતો, જ્યારે 18થી 60 વર્ષની વયના લોકોએ પૈસા ચૂકવી પ્રીકોશન ડોઝ લેવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આવતીકાલે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના હેલ્થ સેન્ટરો અને અલગ અલગ સેન્ટરો મળી કુલ 150 જેટલા સેન્ટરો પર 75 દિવસ લોકોને નિ:શુલ્ક ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.