નકલી પોલીસ બની જુગારધામ ઉપર રેડ કરવાનો મામલો
5 ઇસમોએ કેસ નહીં કરવા પેટે રૂ. 1.73 લાખ પડાવી લીધા
અગાઉ વરાછા પોલીસે 4 ઇસમોની કરી લીધી હતી ધરપકડ
જુગારધામ પર રેડ કરનાર મુખ્ય આરોપીની પણ ધરપકડ
અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપતો : પોલીસ
સુરત શહેરમાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરનાર 5 ઇસમો પૈકી મુખ્ય આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા, તે દરમ્યાન 5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા.
આ સાથે જ જુગારનો કેસ નહીં કરવા પેટે રૂ. 1.73 લાખ પડાવી લીધા હતા. જોકે, રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. આ વેળા જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો.
આ મામલામાં વરાછા પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ મામલે પોલીસે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જીતેશ અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.