કેન્દ્રિય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે 'હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨' અને 'દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન' યોજાશે. જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૨ માટેના રાજભાષા પુરસ્કારો એનાયત કરાશે.
તા. ૧૪ અને ૧૫મી સપ્ટેમ્બરે સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ૭૫ વર્ષોમાં રાજભાષા હિન્દીની વિકાસયાત્રા અંગે મહાનુભાવોના વક્તવ્યો યોજાશે. સંમેલનના ઉદ્દઘાટન સત્રમાં રાજભાષા કીર્તિ અને રાજભાષા ગૌરવ પુરસ્કારોનું વિતરણ અને અન્ય સત્રોમાં વિવિધ વિષયો પર જ્ઞાનવર્ધક સત્રો યોજાશે અને સ્મૃતિ ચિહ્નનું પણ વિમોચન કરવામાં આવશે. ભારતની રાજધાની દિલ્હીની બહાર સુરત-ગુજરાતમાં સૌપ્રથમવાર 'દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન' યોજાવા જઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ સુરતમાં યોજાનાર આ સંમેલનની વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશમાં ૭૦ કરોડ લોકો હિન્દી બોલે છે. ૧૦૦ કરોડ લોકો હિન્દી સમજી શકે છે. વિશ્વના ૧૦૦થી વધુ દેશો હિન્દી ભાષાને સમજી શકે છે. ફિજી દેશે હિન્દીને રાષ્ટ્રની દ્વિતીય ભાષા તરીકે માન્યતા આપી છે. વર્ષ ૧૯૪૮માં હિન્દી સાહિત્ય સંમેલનમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. સંવિધાન સભાએ અથાગ પ્રયત્ન બાદ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે, અંગ્રેજી સાથે રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે હિન્દી રહેશે, ત્યારથી ભારતમાં દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.
હિન્દી ભાષાના ગૌરવ, અસ્મિતા અને ગરિમાને જાળવી રાખવા માટે તેના પ્રચાર-પ્રસારને પર ભાર મૂકવાની તાતી જરૂરિયાત છે, એમ જણાવતા મિશ્રાએ ઉમેર્યું હતું કે, અંગ્રેજીના આક્રમણ સામે આપણા જ દેશમાં આપણી જ ભારતીય ભાષા હિન્દીને અસ્તિત્વનો સંઘર્ષ કરવો પડી રહ્યો છે, ત્યારે હિન્દી ભાષાનો ગૌરવભર્યો વારસો જળવાઈ રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હિન્દીનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય, અજયકુમાર મિશ્રા, નિશિથ પ્રામાણિક સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યસભા અને લોકસભાના સભ્યો, કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સહિત દેશભરના હિન્દી વિદ્વાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ ડિરેક્ટોરેટ ઓફ હિન્દી અને વૈજ્ઞાનિક અને શબ્દભંડોળ આયોગ, શિક્ષણ મંત્રાલય દ્વારા 'હિન્દી સે હિન્દી બૃહત' શબ્દકોશની રચના કરવામાં આવી છે. આ શબ્દકોશ સંપૂર્ણપણે ડિજિટલ હશે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, મીડિયા, કાયદો, બેંકિંગ વગેરે ક્ષેત્રોના શબ્દો સહિત ભારતીય ભાષાઓના લોકપ્રિય શબ્દો સંકળાયેલા હશે જેનું મંચસ્થ મહાનુભવોના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ સત્રમાં સ્મૃતિ આધારિત ભાષાંતર ટૂલ તેમજ ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.