સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાળકીએ 5 મિનિટમાં જ દુકાનમાં કાઉન્ટર ઉપર મુકેલા બેગમાંથી રૂપિયા 50 હજારથી વધુની ચોરી કરી હતી. જોકે, આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
મૂળ રાજસ્થાનના વતની અને સુરતના લિંબાયત જ્ઞાનદીપ સ્કૂલ પાસે નવાનગર ખાતે રહેતા 39 વર્ષીય ગણેશ પુનિયા ઉધના રોડ નંબર 0 અક્ષર કોમ્પલેકસના ગ્રાઉન્ડ ફ્લોર પર ગણેશ ગારમેન્ટના નામે હોલસેલ કાપડનો વેપાર કરે છે. ગત 24 તારીખના રોજ નિત્યક્રમ મુજબ તે ઘરેથી આગલા દિવસના રૂપિયા 52,450 કાળી બેગમાં લઈ દુકાને આવ્યા હતા, અને બેગ દુકાનના કાઉન્ટર ટેબલ પર મુકી અંદર સામાન ગોઠવવા લાગ્યા હતા. લગભગ 11.45 કલાકે બાજુમાં દુકાન ધરાવતા દુકાનદાર રૂપિયા 20 હજાર ઉછીના લેવા માટે આવતા બેગ ખોલી જોયું તો તેમાં પૈસા ન હતા.
ગણેશ પુનિયાને લાગ્યું કે, પૈસા ઘરે ભૂલી ગયા હોય માની ઘરે જઈ તપાસ કરી હતી. પણ ઘરે પૈસા ન હોય તો દુકાને આવી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના નજરે પડી હતી. જેમાં એક મહિલા અને એક બાળકી તેમની દુકાન પાસે આવ્યા હતા. મહિલા શટર પાસે ઊભી હતી, જ્યારે બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે દુકાન માલિકે ઉધના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.