-
ગુજરાત સહિત દેશભરમાં વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટના કેસ
-
ઠગબાજોને દબોચી લેવા માટે સુરત પોલીસની કવાયત
-
પ્રથમ વખત ડિજિટલ અરેસ્ટના આરોપીઓના સ્કેચ તૈયાર કરાયા
-
ફરિયાદી પાસેથી આરોપીના વર્ણનના આધારે આર્ટિસ્ટે બનાવ્યા સ્કેચ
-
પોલીસ કમિશનરે આરોપીઓના સ્કેચ કર્યા જાહેર
ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે.
ડિજિટલ અરેસ્ટની ઘટનાનાં કિસ્સાઓમાં ગંભીર રીતે વધારો જોવા મળી રહ્યો છે.ક્યારેક કસ્ટમના અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે.જેમાં આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલીફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે,પરંતુ માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમ વાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.
સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે.હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે આરોપીઓ કે જેમના પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી, જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે.જેને પોલીસ પોતાના સોશિયલ મિડીયા હેન્ડલ પર મુકશે.જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને તેના વિશે માહિતી આપે.