સુરતમાં નશામાં ધૂત યુવકનું કારસ્તાન
રેલવે હાઇ ટેન્શનના થાંભલા પર ચઢી ગયો
અર્ધનગ્ન અવસ્થામાં કર્યો ડાન્સ
પાવર બંધ રહેતા રેલ વ્યવહાર ખોરવાયો
યુવકને થાંભલા પરથી ઉતારી RPFને સોંપવામાં આવ્યો
સુરતમાં મહારાષ્ટ્રથી આવેલા એક યુવકે નશામાં ધૂત થઈને ગામ માથે લીધું હતું,અને રેલવેની હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચઢી જઈને અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કર્યો હતો,જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવકને હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના જલગાવથી ટ્રેનમાં સુરત આવેલો એક યુવક રાતે 2 કલાક દરમિયાન સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચઢી ગયો હતો.નશામાં ધૂત યુવક હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો.
આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને રેલવેના હાઇ ટેન્શન લાઇનના પાવરને બંધ કરવામાં આવ્યો હતો,તેમજ ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રથમ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,જોકે તેમાં સફળતા મળી નહતી. ત્યારબાદ યુવકને થાંભલા પરથી નીચે પાડવામાં આવ્યો હતો અને નીચે ઉભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને કેચ કરી લેવામાં આવ્યો હતો. અને યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.