ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેની સામે માલધારી સમાજનો રોષ જોવા મળી રહયો છે.
હાઇકોર્ટના આદેશ બાદ સુરત મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એકાદ અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા 300 કરતાં વધુ ઢોર પકડી કાર્યવાહી હાથ ધરાય છે જેને લઈને માલધારી સમાજમાં મનપા તંત્ર સામે રોષ ફાટી નિકળ્યો છે આજરોજ ડભોલી ખાતે માલધારી એકતા સમિતિના આગેવાનોએ ધારણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.માલધારી સમાજના આગેવાન ભાવજનભાઈ ભરવાડે જણાવ્યું હતું કે મનપા રખડતા ઢોર જરૂર પકડે એમાં અમને વાંધો નથી પરંતુ મનપા બર્બરતા પૂર્વક તબેલાઓમાથી બાંધેલા ઢોર પકડી તબેલાઓ પર બુલડોઝર ફેરવી રહ્યું છે તેની સામે માલધારીઓનો વિરોધ છે.આટલું જ નહીં પણ પોતાની માલિકીના જે તબેલા છે એ તબેલાની અંદરથી ભેંસો પણ સુરત મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવી છે ત્યારે આ પ્રકારની કામગીરી સામે માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે