સુરત શહેરમાં મંદ ગતિએ વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના પગલે તંત્રની દોડધામમાં ફરી એક વખત વધારો થયો છે. ભરથાણા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોના સંક્રમિત થતા પાલિકા દ્વારા આ વિસ્તારના ફળિયાને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 2300 જેટલા એક્ટિવ સર્વેલન્સ વર્કરો દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ક્લસ્ટર ઝોનમાં નવરાત્રીના પર્વનું આયોજન ન થાય તે માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. સુરત શહેરના કુલ 69 ક્લસ્ટર વિસ્તાર જાહેરમાં કરવામાં આવ્યા છે. જેમાં 1700થી વધુ લોકોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ક્લસ્ટર ઝોનમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા 6 હજારથી વધુ લોકોનો ક્લસ્ટર ઝોનમાં સમાવેશ થાય છે. સુરતમાં પ્રતિદિવસ 8થી 9 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ક્લોઝ કોન્ટેકના લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પાલિકા દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.