દેશમાં ટેકસટાઇલ સહિત અનેક ઉદ્યોગોનું હબ ગણાતાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજયકક્ષાના ટેકસટાઇલ મંત્રી બનાવવામાં આવતાં હવે ઉદ્યોગકારોને તેમની પડતર માંગણીઓ અને સમસ્યાઓના નિરાકરણની આશા જાગી છે.
કેન્દ્ર સરકારે કોરોનાની મહામારી વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પાંચ સાંસદોને મંત્રીપદ નસીબ થયું છે. સુરત લોકસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચુંટાઇ આવતાં અને સિનિયર આગેવાન દર્શના જરદોશને રાજયકક્ષાના રેલવે અને ટેકસટાઇલ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ અગાઉ નવસારીના સાંસદ સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.
દર્શનાબેનના મંત્રી બન્યાં બાદ હવે કેન્દ્ર સરકારમાં સુરતને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. દર્શનાબેન જરદોશની વાત કરવામાં આવે તો તેમને પુરૂષોત્તમ રૂપાલા અને સ્મૃતિ ઇરાનીની નજીકના ગણવામાં આવે છે. તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેના ત્વરિત નિકાલ માટે જાણીતા છે. તેમને ટેકસટાઇલ વિભાગનો હવાલો સોંપવામાં આવતાં સુરતના ઉદ્યોગકારોમાં ખુશી જોવા મળી રહી છે. તેમને આશા છે કે, હવે તેમના પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપથી નિકાલ આવી શકશે.