નવી સિવિલ હોસ્પિટલની ઇમારત થઈ છે જર્જરિત
જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ
કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન
દર્દીઓ, તબીબો-સ્ટાફના જીવ સામે જોખમ મંડરાતું
આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતના ધરણાની ચીમકી
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તબીબો અને સ્ટાફના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલ ખાલી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાયદા કથા ટીમના સભ્યોએ હોસ્પિટલ પ્રસાશન જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હો તેવો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ હોસ્પિટલ તંત્રને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે હવે, જો સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારત ખાલી નહીં કરાવાય તો અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન કરવાની કાયદા કથા ટીમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.