સુરતની નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની ઉધ્ધતાઇનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીને લોહી આપવા આવેલાં સામાજીક કાર્યકર તથા તેમના મિત્રને કર્મચારીઓએ હડધુત કરી કાઢી મુકયાં હતાં.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. દર્દીઓની સારવાર માટે સેવાભાવી લોકો તેમજ સંસ્થાઓ સતત કાર્યરત રહે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને રક્તની જરૂર હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ મેસેજ લીંબાયતના સામાજીક કાર્યકર અજીદ મન્સુરી પાસે પણ ગયો હતો. દર્દીને મદદરૂપ થવાના આશયથી તેઓ તેમના મિત્ર સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગયાં હતાં. તેમણે હોસ્પિટલની બ્લડ બેંક પર જઇ રકતદાનની વાત કરી હતી. પણ ફરજ પરના કર્મચારીઓએ તેમની પાસે બી પોઝીટીવ લોહી નથી અને લોહી લેવા માટે કર્મચારી પણ હાજર નથી તમે બીજી જગ્યાએ જઇને રકતદાન કરો તેમ કહી અપમાનિત કર્યા હતાં.
સમગ્ર ઘટના ક્રમ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડીન ડો રાગીની વર્માએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીને લોહીની જરૂર હોવાથી યુવક રકતદાન કરવા માટે આવ્યો હતો. પણ આ યુવકને લેબ.ટેકનિશિયનએ રકતદાન માટે ના પાડી દીધી હતી. આ બનાવ સંદર્ભમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી નવી સિવિલ હોસ્પિટલમાં 24 કલાક બ્લડ બેંક કાર્યરત હોય છે. રકતદાતાઓ ગમેત્યારે જઇને રકતદાન કરી શકે છે. તેમ છતાં કર્મચારીએ યુવકનું બ્લડ ડોનેટ ન કરતા ગંભીર બેદરકારી કહી શકાય છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર બ્લડ ડોનેટ કરવાની ના પાડનાર લેબ.ટેકનિશિયન કર્મચારી પાસે માફી પત્ર લખાવી આવું બીજી વખત ન થાય તેની ખાતરી લેવામાં આવી છે.