નવરાત્રિને લઈને યુવતીઓ-મહિલાઓની સુરક્ષામાં વધારો
પોલીસની શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી
મહિલા પોલીસકર્મીઓ પારંપારિક પોશાકમાં રહેશે સજ્જ
મોટા ગરબાના આયોજનોમાં શી-ટીમ દ્વારા ચાંપતી નજર
100 નંબર પર ડાયલ કરી મેળવી શકે છે મદદ : ACP
નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે, ત્યારે નવરાત્રીના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલાકર્મીઓ પારંપારિક પોશાકમાં સજ્જ થઇ સુરક્ષામાં તહેનાત રેહશે.
સુરત શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતાં નવરાત્રિના આયોજનોમાં ચણિયા-ચોળી કે, પછી નવરાત્રિના પારંપારિક પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી-ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે, અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે, અસામાજિક તત્વ મહિલા કે, યુવતીની છેડતીનો પ્રયાસ કરશે, તો પોલીસની શી-ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં 35 જેટલી શી-ટીમ કાર્યરત છે. સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો 100 નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માગી શકે છે, અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે. તો બીજી તરફ, સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરું જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સૂચના આપવામાં આવી છે.