સુરત શહેરના વરાછા વિસ્તારમાં મોહનની ચાલ નજીક સિગરેટ લેવા બાબતે બાબલ થઈ હતી. જેમાં કેટલાક ઈસમોએ મારામારી કરતાં એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે વરાછા પોલીસે પ્રથમ 6 આરોપી અને ત્યારબાદ 3 આરોપી મળી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી મોહનની ચાલ નજીક પાનના ગલ્લાના માલિકે સિગારેટના રૂ. 2 બાકી માંગતા યુવાને રૂ. 10નો સિક્કો ફેંકતા ઠપકો આપ્યા બાદ થયેલા ઝઘડામાં 10 યુવાનોએ દુકાનદાર, તેના ભાઈ અને 3 મિત્રો પર હુમલો કયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતમાં કતારગામમાં રહેતો 25 વર્ષીય વિજય બેરા રત્નકલાકાર તરીકે કામ કર્યા બાદ સાંજે પિતા અને ભાઈ વિશાલ સાથે પોતાની દુકાન મુરલીધર પાન ખાતે બેસે છે, અને તે દુકાને પહોંચતા તેના પિતા ઘરે ગયા હતા, જ્યારે તે અને તેનો ભાઈ દુકાને હાજર હતા, ત્યારે રાત્રે દુકાન પાસે બેસેલા મહેશ નગુ પામ, હિમ્મત જગુ શિયાળ અને બીજા 6 પૈકી મહેશ અને હિમ્મ્ત દુકાને આવ્યા હતા, અને મહેશે વિશાલ પાસે સિગારેટ માંગતા તેણે આપી હતી. જોકે, મહેશે રૂ.12ની સિગારેટના માત્ર રૂ. 10 આપતા વિશાલે પુરા પૈસા આપવા કહેતા મહેશે રૂ. 10નો સિક્કો દુકાનમાં ફેંક્યો હતો. આ અંગે વિશાલે ઠપકો આપતા મહેશ, હિમ્મત અને તેમની સાથેના 6 યુવાનોએ દુકાનમાં આવી મારામારી કરી હતી. દુકાનનો સામાન ફેંકવા લાગતા વિશાલ અને વિજયે તેમને અટકાવી સમજાવતા મહેશે ધમકી આપી હતી. દુકાન બંધ કરતા સમયે વિજયના મિત્રો સુનીલ ચૌહાણ, વિરલ વાડોલીયા, પ્રિન્સ જોષી, રાહુલ લુવા અને અમિત ધામેલીયા ત્યાં આવતા તમામ દુકાન બંધ કરી બહાર ઉભા રહી વાત કરતા હતા. આ દરમિયાન મહેશ, હિમ્મત અને બીજા 8 યુવાનો હાથમાં લાકડાના ફટકા, છરીઓ લઈ ત્યાં આવ્યા હતા, અને વિજય, વિશાલ અને તેમના મિત્રોને આડેધડ મારવા લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે, કોઈકે સુનીલને ગળામાં છરી મારતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પટકાતાં તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે વરાછા પોલીસે હત્યા, રાયોટીંગ, મારામારીનો ગુનો નોંધી પ્રથમ 6 આરોપીઓને પકડી પાડ્યા હતા, ત્યારબાદ તપાસમાં અન્ય વધુ 3 આરોપીઓ મળી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.