સુરત : "તું ઈમાનદાર છે" કહી PCR વાનની પોલીસે બાઇક ચાલક પાસેથી 500 રૂ. પડાવ્યા, વિડીયો થયો વાઇરલ

જાહેરમાં તોડ કરતી પોલીસનો વિડીયો થયો વાઇરલ, ટ્રાફિક નિયમ તોડવાના બહાને પોલીસકર્મી કરતાં તોડ.

New Update
સુરત : "તું ઈમાનદાર છે" કહી PCR વાનની પોલીસે બાઇક ચાલક પાસેથી 500 રૂ. પડાવ્યા, વિડીયો થયો વાઇરલ

સુરત શહેરના પુણા પોલીસ મથક વિસ્તારમાં PCR વાન ઉભી રાખી વાહનચાલકોને આંતરી ટ્રાફિક નિયમ તોડવાના બહાને તોડ કરનાર પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે, ત્યારે પુણા પોલીસે તોડબાજ પોલીસકર્મી વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisment

મળતી માહિતી અનુસાર, પુણા વિસ્તારમાં રહેતો યુવક બાઈક લઈ પુણા કેનાલ BRTS રૂટથી ટીટી સેન્ટર નજીક અંદરના અવાવરૂ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન આ માર્ગ પર પુણા પોલીસની PCR વાનના કોન્સ્ટેબલે બાઈક સવાર યુવકને આંતર્યો હતો. જોકે, બાઇક ચાલક યુવક પાસે લાઈસન્સ ન હતું, ત્યારે યુવકે 1 હજાર રૂપિયા દંડ ભરી રસીદ લેવા કહેતા યુવકે તેના મિત્રને રૂપિયા લઈને બોલાવ્યો હતો.

જોકે, તેનો મિત્ર આવ્યો પરંતુ તેની પાસે પણ રૂપિયા ન હતા, ત્યારે યુવકના મિત્રએ પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. વધુ રૂપિયા નથી તો 500 કે, 700 રૂપિયા હશે તો પણ ચાલશે અને તેની રસીદ નહીં મળે તેવું પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યુ હતું. જોકે, યુવકે રસીદ વગર 500 રૂપિયા આપી વાત પતાવી હતી, ત્યારે યુવકના મિત્રએ તમામ ઘટના રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ કરી દીધો હતો, ત્યારે આ મામલે તોડ કરનાર 2 પોલીસકર્મી વિરુદ્ધ પુણા પોલીસે એન્ટી કરપ્શન હેઠળ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisment
Latest Stories