Connect Gujarat
સુરત 

સુરત : વેકસીન લેવા આવનારાઓની વ્યથા, જુઓ કેવી રીતે મુકે છે લોકો જીવ જોખમમાં

વેકસીન મુકાવવા લોકો કરી રહયાં છે દોડધામ, રાતથી જ સેન્ટરોની બહાર લોકો લગાવે છે કતાર.

X

કોરોનાની વેકસીન માટે લોકો કેટલી યાતનાઓ અને વેદનાઓ સહન કરે છે તે અમે તમને બતાવવા જઇ રહયાં છે. સમગ્ર ઘટના સુરતની છે કે જયાં લોકો વેકસીન મુકાવવા માટે રાતથી જ સેન્ટરની બહાર ગોઠવાય જાય છે અને આખી રાત મચ્છરોના ઉપદ્રવ વચ્ચે જીવના જોખમે પસાર કરે છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં લોકો કોરોનાની રસી મુકાવવા માટે દોડધામ કરી રહયાં છે. દરેક જગ્યા પર હવે કોરોનાની વેકસીન અંગેના સર્ટીફીકેટ માંગવામાં આવી રહયાં છે જેથી લોકો વેકસીન મુકાવવા માટે ધસારો કરી રહયાં છે. વેકસીન મુકાવવા માટે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં વેકસીનેશન સેન્ટરોની બહાર સવારથી જ લોકોની કતાર લાગી જાય છે પણ અમુક વિસ્તારો એવા છે કે જયાં લોકો રાતથી જ વેકસીન સેન્ટરોની બહાર ગોઠવાય જાય છે. લોકો પોતાના ઘરેથી બેસવા કે સુવા માટે આસન લઇને આવે છે. મચ્છરોના ઉપદ્રવ વચ્ચે તેઓ આખી રાત સેન્ટરની બહાર પસાર કરે છે.

આખી રાત સેન્ટરની બહાર વીતાવવા છતાં સવાર પણ લોકો માટે સારી નથી રહેતી... સેન્ટર ખુલતાંની સાથે ટોકન મેળવવા લોકોની ધકકામુકકી શરૂ થઇ જાય છે. કોરોનાના સંક્રમણથી બચવા સામાજીક અંતર જળવાવું જોઇએ પણ અહીં તો હૈયે હૈયુ દળાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરિસ્થિતિ વણસે ત્યારે સ્ટાફ પોલીસ બોલાવે છે અને પોલીસ જવાનો ભીડને વેરવિખેર કરી નાંખે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ વેકસીન નહિ મળતાં લોકો નિરાશ વદને ઘરે પરત ચાલ્યાં જાય છે. દરરોજ સવારનો સુરજ નવી આશાનો સંચાર કરે છે પણ સુર્યાસ્ત થતાંની સાથે તેમની આશાઓ નિરાશામાં પરિવર્તિત થઇ જાય છે. કોરોનાની રસી લેવા અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે તંત્રએ પણ એક ઉમદા અને સુચારૂ વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

Next Story